રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને ખાસ જન્માષ્ટમી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના ત્રણે ઝોન હેઠળ આવતા મુખ્ય વિસ્તારોમાં રોશનીથી ઝળહળાટ કરવામાં આવશે. સાથે મહાપાલિકા દ્વારા મટકી ફોડ સ્પર્ધા તેમજ સુપ્રસિદ્ધ લોક ગાયક કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવે સહિતના કલાકારોનાં લોક ડાયરા જેવા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જન્માષ્ટમીમાં સૌપ્રથમ વખત મટકી ફોડ સ્પર્ધા સહિતના અન્ય ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરનાં જણાવ્યા મુજબ, આગામી જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં પ્રથમવાર જન્માષ્ટમી કાર્નિવલ જેવી ઉજવણી કરવામાં આવનાર છે. જેમાં તા.24 થી તા.28 સુધી શહેરના બધા ઝોનમાં આવેલ મુખ્ય સર્કલને લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવનાર છે. તા. 26ના જન્માષ્ટમી પર સૌપ્રથમ વખત મનપા દ્વારા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ અંતર્ગત તા.24ના શનિવારે ‘હર હર મહાદેવ શિવ આરાધના’ કાર્યક્રમ પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે યોજાશે.