ગાઝામાં ઈઝરાયલી સેના દ્વારા નાગરિકો પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. ગાઝા શહેરના અલ રશીદ સ્ટ્રીમમાં ગુરુવારે સવારે 4.30 વાગ્યે લોટ અને અન્ય રાહત સામગ્રી લેવા એકઠા થયેલા સેંકડો બાળકો અને મહિલાઓ પર ઇઝરાયલે હુમલો કર્યો હતો. આ હુમલામાં 104 લોકો માર્યા ગયા હતા જ્યારે 760થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને રાહત સામગ્રી લઈને આવેલી ટ્રકમાં ભરીને અલ શિફા હોસ્પિટલમાં લઈ જવાયા. પેલેસ્ટાઈનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ ઈઝરાયલનો નરસંહાર છે. બીજી તરફ, ગાઝામાં મૃત્યુઆંક 30 હજારને પાર પહોંચ્યો છે.
760થી વધુ લોકો ઈજાગ્રસ્ત, ઘણા લોકોને ટેન્કથી કચડી નાંખ્યા
પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ઇઝરાયલની સેનાએ રાહત સામગ્રી માટે લાઈનમાં ઊભેલા લોકો પર ગોળીબાર કર્યો, ઇઝરાયલી ટેન્ક પણ આગળ વધી અને ઘણા મૃતકો અને ઘાયલોના મૃતદેહો પર ચઢી ગઇ. ઈજાગ્રસ્તોને અલ શિફા, કમલ અડવાન હોસ્પિટલ, અહલી અને જોર્ડન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દવા અને બ્લડના અભાવે લોકોને સારવાર ન મળી.
અનેક લોકોને માથામાં ગોળીઓ વાગી : નર્સિંગ હેડ
અલ શિફા હોસ્પિટલના નર્સ વિભાગના વડા જેદલ્લાહ અલ શફેઇએ જણાવ્યું હતું કે ઘણા પીડિતોને માથા અને શરીરના ઉપરના ભાગમાં ગોળી વાગી હતી. એવું લાગે છે કે તેઓને ડ્રોન અને બંદૂકની ગોળીઓથી નિશાન બનાવવામાં આવ્યા છે.