Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાત રાજ્ય એસ.ટી. નિગમ દ્વારા આજે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે બઢતી માટેની પરીક્ષા લગભગ 10 વર્ષ બાદ આજે લેવામાં આવેલી હતી. જેમાં રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઇવર અને ટ્રાફિક કંટ્રોલરમાંથી આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર બનવા માંગતા 285 જેટલા ઉમેદવારોએ વિદ્યાર્થી બની વર્ગખંડમાં બેસી પરીક્ષા આપી હતી. જેમાં રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારો પણ હતા, જેમાં 100માંથી 50 માર્કસ મેળવવા ફરજિયાત છે. કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે લેવાયેલી પરીક્ષામાં ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ કે પાકીટ લઇ જવાની મનાઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનમાં ફરજ બજાવતા ડ્રાઇવર અને ટ્રાફિક કંટ્રોલર માટે આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર તરીકે બઢતી માટેની પરીક્ષા રાજકોટના 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા સરદાર વિદ્યામંદિર ખાતે લેવામાં આવી હતી, જેમાં રાજકોટ ઉપરાંત મોરબી અને સુરેન્દ્રનગરના 285 ઉમેદવારો નોંધાયા હતા. બપોરે 11થી 2 દરમિયાન પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ઉમેદવારોને 10 વાગ્યાથી એન્ટ્રી શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં ડ્રાઇવર સહિતના પોતાના ડ્રેસમાં જ પરીક્ષા આપવા પહોંચ્યા હતા તો ઓળખ કાર્ડ હોય તેમને જ એન્ટ્રી આપવામાં આવી રહી હતી.