મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલદાબાદના મદ્રેસામાં આલિમ બનવા ગયેલા સુરતના ભેસ્તાનના 16 વર્ષિય તરૂણને ઘડિયાળ ચોરીની શંકામાં તાલીબાની સજા આપવામાં આવી હતી.ઘટના અંગે તરુણના પરિવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ઔરંગાબાદથી 25 કિમીના અંતરે ખુલદાબાદ છે.
અહિંયાના મદ્રેસામાં અમે અમારા 16 વર્ષિય દિકરાને આલિમ બનવા માટે મૂકયો હતો. દરમિયાન ગત રવિવારના અમારા મોબાઇલ પર એક વીડિયો આવ્યો હતો. જે વીડિયો જોતા જ અમને આઘાત લાગ્યો હતો. જેમાં અમારા દિકરાને તાલીબાની સજા આપતા હોય તેવી જ રીતે તેનું શરીર ખુલ્લું કરાવ્યું હતું અને એક પછી એક એમ 10 લોકો તેને જોર જોરથી મારી રહ્યા હતા.
એક તરફ અમારો દિકરો રડી રહ્યો હતો તો બીજી તરફ તેને કોઈ પણ બચાવતું ના હતું. આમ આ વીડિયો બાદ અમે પહેલા તો ત્યાંના સ્થાનિક પોલીસ મથકનો નંબર શોધીને તેમને જાણ કરી હતી. ત્યાર બાદ અમે તાત્કાલિક ખુલદાબાદના મદ્રેસામાં જઈ ટ્રસ્ટીઓને મળ્યા હતા. જ્યાં ટ્રસ્ટીઓએ તાલિબાની સજા આપનારા મૌલાના શિક્ષકને ચોરીની શંકાથી માર માર્યો હોય અને એને કાઢી મૂક્યો હોવાનું જણાવ્યું હતું.