રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ભારે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં 8 ઇંચથી વધારે વરસાદને કારણે જળબંબાકાર સર્જાતા યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સાથે જ વડોદરા સહિત મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પણ હળવોથી ભારે વરસાદ શરૂ થયો હતો. હવામાન નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે મધ્ય-દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
રાજ્યમાં જૂનથી ઓગસ્ટ સુધીમાં સરેરાશ 981.9 મીમી વરસાદ થઇ ચૂક્યો છે. 1901 થી લઇ અત્યાર સુધીના 123 વર્ષના ઇતિહાસમાં બીજો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ બન્યો છે. 2020 માં ઓગસ્ટ સુધીમાં 982.6 મીમી વરસાદ ગુજરાતના ઇતિહાસનો સૌથી વધુ વરસાદનો રેકોર્ડ છે. માત્ર 0.8 મીમી ઓછા વરસાદના કારણે નવો રેકોર્ડ રચાતાં રહી ગયો છે. રાજ્યમાં ચોમાસુ સિઝનમાં સરેરાશ 883 મીમીની અપેક્ષા સામે 1 સપ્ટેમ્બર સુધીમાં 698.4 મીમી વરસાદ થવો જોઇતો હતો.