રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગબજાર પાછળના જગન્નાથ પ્લોટમાં રહેતા અને નવલનગરમાં ધર્મભક્તિ વેન્ચર પ્રા.લિ.નામે ખેત પ્રોડક્ટ લે-વેચની ભાગીદારી કંપની ધરાવતાં પ્રશાંત પ્રદીપભાઇ કાનાબાર (ઉ.વ.32) સાથે મહારાષ્ટ્રની કંપનીના સંચાલકોએ રૂ.64.80 કરોડની છેતરપિંડી કરી હતી. પ્રશાંત કાનાબારનો સંપર્ક કરી કંપનીના સંચાલકોએ પોતે હળદરની ખેતી માટે પોલી હાઉસ બનાવી તેમાં જોડાવાથી 1 અબજ 94 કરોડ 40 લાખનું વળતર મળશે તેવી લાલચ આપી પ્રશાંતને ફસાવ્યો હતો અને તેની પાસેથી રૂ.64.80 કરોડનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં આ ગઠિયાઓએ પોલી હાઉસ બનાવ્યું નહોતું અને વળતર પણ ચૂકવ્યું નહોતું.
પ્રશાંત કાનાબારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ પોતાની ઓળખ મુંબઇની એ એસ એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપનીના સંચાલકો તરીકે આપી હતી. પ્રશાંતને પ્રોજેક્ટ પસંદ આવતાં તેના અન્ય બે ભાગીદાર મુંબઇ ગયા હતા અને ત્યાં પણ આરોપીઓએ એ બંને વ્યક્તિને પ્રોજેક્ટ સમજાવી પોતાની જાળ ફેલાવી હતી. ધર્મભક્તિ કંપનીના તમામ ભાગીદારો હળદરની ખેતીના પ્રોજેક્ટ માટે તૈયાર થયા હતા અને જુલાઇ 2021થી સપ્ટેમ્બર 2021 એટલેકે માત્ર 3 મહિનામાં અલગ અલગ બેંક ખાતામાં રૂ.64.80 કરોડ જમા કરાવી દીધા હતા.
આરોપીઓએ રજિસ્ટર્ડ કોન્ટ્રાક્ટ કરી પ્રશાંતભાઇને ખાતરી આપી હતી કે, જાન્યુઆરી 2023માં પ્રશાંતભાઇને રૂ.64.80 કરોડ, જાન્યુઆરી 2024માં 64.80 કરોડ અને જાન્યુઆરી 2025માં 64.80 કરોડ મળી ત્રણ વર્ષમાં 1 અબજ 94 કરોડ અને 40 લાખ આપવાનું વચન આપ્યું હતું, વર્ષ 2023થી વળતર મળ્યું નહોતું.