ભરુચ જિલ્લાના વાલિયા તાલુકાના 10 હજારની વસતી ધરાવતાં ડહેલી ગામમાં સોમવારે સાંજ સુધી રાબેતા મુજબ જનજીવન હતું. ધીમે ધારે વરસી રહેલો વરસાદ રાત્રે આટલું ખતરનાક સ્વરુપ લેશે તેવી ગ્રામજનોને ભનક સુદ્ધા નહતી પરંતુ રાતનું અંધારુ વધતું ગયું તેમ તેમ મેઘરાજાનું જોર પણ તોફાનના સ્વરુપમાં ફેરવાતું ગયું અને જોતજોતામાં એક રાતમાં 15 ઇંચ વરસાદથી ડહેલી ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. ખાસ કરીને કીમ નદી બે કાંઠે વહેતી થતાં પાણી આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યાં હતાં ત્યારે ભાસ્કર ટીમે સંપર્ક વિહોણા ગામની મુલાકાત લઈ અસરગ્રસ્તે વ્યથા સાંભળી હતી. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં સંપર્ક વિહોણા બની ગયાં હતાં. માથે આભ અને નીચે પાણી જેવી સ્થિતિમાં ગરીબો દયનીય સ્થિતિમાં મુકાયાં હતાં.