રૈયા રોડ પર આલાપ ગ્રીન સિટીની બાજુમાં આવેલી શાંતિનિકેતન રેસિડેન્સીની 20 વર્ષ જૂની દીવાલ મહાનગરપાલિકાની સુરક્ષા શાખાના સ્ટાફ તેમજ એ.ટી.પી.ઓેએ ગુંડાગીરી આચરી તોડી નાખ્યાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા અને સ્થાનિક કોર્પોરેટરને અનેકવખત રજૂઆત કરી છતાં પરિણામ કોઇ આવ્યું નથી.
મનપાની ટી.પી. શાખાના વિવાદિત એટીપીઓ અને હાલ જેલમાં રહેતા ગૌતમ જોશીએ ઝાલાવડિયા નામના બિલ્ડરને ફાયદો કરાવવા માટે આ આખું ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. તેમાં મનપાની સુરક્ષા શાખાના એક પીએસઆઈ સહિતના કર્મચારીઓએ પણ બંદોબસ્તના નામે શાંતિનિકેતન રેસિડેન્સીના રહેવાસીઓ સાથે ખુલ્લેઆમ દાદાગીરી અને બળજબરી કર્યાનો વીડિયો પણ સામે આવ્યો છે.