વાગુદળ પાસેના આશ્રમના મહંત અને તેના ચાર શિષ્યએ સાેમવારની રાત્રે કાલાવડ રોડ પર મહિલા કોલેજ અન્ડરબ્રિજ પાસે બે સ્થળે રસ્તો રોકી સરાજાહેર હાથમાં ફરસી સાથે આતંક મચાવી જીએસટીના અપીલ કમિશનરની કારના કાચ ફોડી નાખ્યા હતા. પોલીસે ગુનો નોંધી મહંત સહિત ત્રણની ધરપકડ કરી હતી. જ્યારે બનાવ બાદ મહંત સહિતે પોલીસ લોકઅપમાં રાતભર ધમાલ મચાવી હોવાનું બહાર આવ્યું છે. નાસી જનાર વધુ એક શિષ્યની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
શેઠનગર પાસે રહેતા અને જી.એસ.ટી.માં કોન્ટ્રાક્ટમાં તેની ઇનોવા કાર ચલાવી ડ્રાઇવિંગ કામ કરતાં ભાવિનભાઇ મનસુખભાઇ બેરડિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપીઓ તરીકે વાગુદળ આશ્રમમાં રહેતા અને મૂળ વીરપુર રહેતા મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલિયા, ચિરાગ પ્રવીણભાઇ કાલરિયા, પ્રવીણ વાઘજીભાઇ મેર અને અભિષેકના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.2ના રોજ રાત્રીના મારી કાર લઇને જી.એસ.ટી. કમિશનર એસ.પી. સિંઘને કાલાવડ રોડ પર પ્રેમમંદિર પાસે તેના ઘેર ઉતારી ઓફિસે કાર મૂકવા જતો હતો ત્યારે મહિલા અન્ડરબ્રિજ પાસે પહોંચતા કિસાનપરામાંથી રોંગ સાઇડ આવતી કાર સામે આવી ઊભી રહી હતી અને કારમાંથી એક સાધુ જેવા કપડાં પહેરેલ માણસ હાથમાં પિત્તળની કુંડલીવાળી લાકડી લઇને ઉતરી મારી કારના બોનેટ પર મારી કાર પાછળ લેવા માટે ઇશારો કર્યો હતો અને કાચ ખોલવા માટે કહ્યું, પણ કાચ નહીં ખોલતા કાર પાછળ જઇ તેને કારમાં તોડફોડ કરી હતી.