ઉત્તરપ્રદેશના બહરાઈચમાં માનવભક્ષી વરુઓના કારણે 35 ગામડાંઓમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. વરુઓના આંતકથી યુપી સરકારે ‘ઓપરેશ ભેડિયા’ શરુ કર્યું છે. આ માટે 200 પોલીસ અને પીએસી જવાનો, વન વિભાગની 25 ટીમો, ડ્રોન તેમજ શૂટર્સ પણ તહેનાત છે. તંત્ર દ્વારા વરુને દેખતાં જ ગોળી મારવાના આદેશ આપવામાં આવ્યા છે.
બીજી તરફ લોકોમાં એટલો ભય વધી ગયો છે કે ગામ છોડી સ્થળાંતર કરવા મજબૂર બન્યાં છે. ઘણાં એવા ગામોમાં સેંકડો પરિવારો ઘર છોડીને શાળાઓમાં રાત વિતાવવી રહ્યા છે. વાસ્તવમાં આ વિસ્તારમાં ગરીબીને કારણે ઘણા લોકોના ઘરના દરવાજા નથી. ડીએમ મોનિકા રાનીએ જણાવ્યું કે ગામડાંઓમાં ભેજ અને ગરમીના કારણે લોકો ખુલ્લામાં સૂવાનું પસંદ કરે છે. અધિકારીઓ ગામના લોકોને ધાબા પર સૂવાની સલાહ આપી રહ્યા છે પરંતુ જે પરિવારો પાસે માત્ર છાપરું જ છે તેમની સમસ્યા વધુ છે. આવી સ્થિતિમાં તેમની સુરક્ષા માટે પ્રશાસને આ પગલું ભર્યું છે.
સીએમ યોગી આદિત્યનાથે પણ આ અંગે કડક સૂચના આપી છે. વરુના હુમલા ચાલુ છે. હવે બહરાઈચ સિવાય અન્ય જિલ્લાઓમાં વરુના હુમલાના અહેવાલો છે, જે સરકાર અને વહીવટીતંત્ર માટે પડકારરૂપ સાબિત થઈ રહ્યા છે.