દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે. ગુજરાતમાં ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવા માટે સૌથી જાણીતું બજાર અમદાવાદના ગુલબાઈ ટેકરામાં આવેલું છે. આ ગુલબાઈ ટેકરાની હવે કાયાપલટ થઈ જશે. અહીં 50 વર્ષથી બાવરી સમાજના લોકો ગણપતિ સહિત અલગ અલગ ભગવાનની મૂર્તિઓ બનાવી વેચે છે. થોડા સમય પહેલા AMCએ ગુલબાઈ ટેકરાનું રિડેવલપમેન્ટ કરવાનો નિર્ણય કર્યો હતો અને નીલા ઇન્ફ્રાસ્ટ્રકચરને 99 કરોડનું ટેન્ડર પણ આપી દેવાયું હતું. આમ હવે AMCના પ્લોટમાં વર્ષોથી રહેતા બાવરી સમાજના લોકોને ત્યાંથી હટાવી તેમના માટે 322 સ્કવેર ફૂટના 854 નવા મકાન બનાવાશે. આ મકાનો બનતા 2 વર્ષ જેટલો સમય લાગશે.જેથી બાવરી સમાજના લોકો અન્ય સ્થળે રહેવા જશે અને બિલ્ડર દ્વારા તેને ભાડું ચૂકવણીના ચેક પણ આપવાની શરૂઆત થઈ ગઈ છે.
ચેક આપવાની પ્રક્રિયા પૂર્ણ થતા જ જગ્યા ખાલી કરાવાશે આ અંગે હાઉસિંગ પ્રોજેક્ટના અધિકારી પ્રણય શાહે જણાવ્યું હતું કે ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ઝુપડપટ્ટી પુનઃ વિકાસ યોજના અંતર્ગત 854 મકાનો અને 10 દુકાનો બનાવવામાં આવનાર છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવી છે. જે લાભાર્થીઓ છે તેઓને ચેક આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. બિલ્ડર દ્વારા ચેક આપવાની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ત્યાં જગ્યા ખાલી કરાવવામાં આવશે અને જગ્યા ખાલી કરાવ્યાના બે વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી લાભાર્થીઓને મકાનો ફાળવવામાં આવશે.