ખીરસરા-લોધિકા રોડનું કામ 19 જૂન 2025ના રોજ પૂરું થયું છે. રૂ.5.76 કરોડના ખર્ચે બનેલા આ રોડ પર હાલ અહીં ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને આ જ હાલત રૂ.24 કરોડના ખર્ચે બનેલા રાજકોટ-ભાવનગર હાઈવેની છે. જે 6 એપ્રિલ, 2025 એટલે કે 5 મહિના પહેલાં બન્યો છે.
આ બન્ને રોડ રાજકોટ શહેર અને જિલ્લાને જોડતા મુખ્ય રોડ છે. ઠેર ઠેર ગાબડાં પડતાં રોજે રોજ નાના-મોટા અકસ્માતો થાય છે. તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો પણ સામનો કરવો પડે છે.
તાજેતરમાં જ બનેલા રોડ-રસ્તા ધોવાઈ ગયા હોવા છતાં માર્ગ અને મકાન વિભાગે એજન્સીને નોટિસ આપીને સંતોષ માની લીધો છે.
ખીરસરા-લોધિકા રોડ બનાવનારી કંપની પણ જિલ્લા પંચાયતના સદસ્યના પરિવારની જ હોવાનો અને કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી મટિરિયલ્સના સેમ્પલ લેવાની માગણી ઊઠી છે.
તાલુકા પંચાયતના સદસ્ય નિશિત ખુંટે કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ.