સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસે પણ આવી ઘટના શહેરમાં બને નહીં તે માટે ગણેશ પંડાલના સંચાલકો સાથે તાકીદની બેઠક કરી ગાઇડલાઇનના કડક પાલનના આદેશ કર્યા હતા તો પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવાયું છે.
જોઇન્ટ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં 323 જેટલા ગણપતિના પંડાલની નોંધણી થઇ છે. ગણેશોત્સવ પહેલા જ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પંડાલના સંચાલકો સાથે બેઠક કરી હતી અને પંડાલની સુરક્ષા સંદર્ભે તેમને ગાઇડલાઇન આપી તેનું પાલન કરવાની તાકીદ કરી હતી, પરંતુ સુરતની ઘટના બન્યા બાદ કમિશનર ઝાએ યુદ્ધના ધોરણે ફરીથી પંડાલના સંચાલકોને બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી ગાઇડલાઇનનું કડક પાલન કરવાની સૂચના આપવામાં આવી છે.