તમિલનાડુના બેટર નારાયણ જગદિશને લિસેટ-એ ક્રિકેટમાં આજે ઐતિહાસિક ઇનિંગ રમી હતી. 26 વર્ષના જગદિશને વિજય હઝારે ટ્રોફીમાં અરુણાચલ પ્રદેશની સામે 277 રન ફટકારી દીધા હતા. આ વન-ડે અને લિસ્ટ-એ ક્રિકેટમાં સૌથી મોટો સ્કોર છે. તેમણે ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માના રેકોર્ડને પણ તોડી દીધો છે.
રોહિત શર્માએ લિસ્ટ-એ ક્રિકેટમાં શ્રીલંકા સામે 264 રનની મેરેથોન ઇનિંગ રમી હતી. લિસ્ટ-એ ક્રિકેટમાં તેમની પહેલા સરેના બેટર એલેસ્ટેયર બ્રાઉને 2002માં 268 રન ફટકાર્યા હતા. જગદિશને આ બન્નેના રેકોર્ડને તોડી દીધા હતા.
બેંગ્લુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશ વચ્ચેની વિજય હઝારે મેચમાં જગદિશનની ઐતિહાસિક ઇનિંગને કારણે તમિલનાડુએ 50 ઓવરમાં 506/2 રન ખડક્યા હતા. વન-ડે મેચમાં પહેલીવાર કોઈ ટીમે 500+ રન બનાવ્યા હતા. આની પહેલા ઇંગ્લેન્ડે નેધરલેન્ડ્સ સામે 498 રન બનાવ્યા હતા. આ લિસ્ટમાં ત્રીજા નંબરે સરેની ટીમ છે. સરેએ ગ્લેસેસ્ટયરશાયરની સામે 4 વિકેટે 496 રન બનાવ્યા હતા.
વિજય હઝારે ટ્રોફીમાં આ સિઝનમાં નારાયણ જગદિશને રનનો ખડકલો કર્યો છે. તેઓએ સતત પાંચ મેચમાં પાંચ સદી ફટકારી દીધી છે. તેમણે શ્રીલંકાના દિગ્ગજ બેટર કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડી દીધો છે.