એક તરફ મોટાભાગના રોકાણકારો બેંકોમાં ફિક્સ ડિપોઝીટ્સ રાખવાનું ટાળી રહ્યા છે તો બીજી તરફ વધુ રિટર્ન મેળવવા માટે લોકો ઇક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સ જેવા સેગમેન્ટમાં જંગી રોકાણ કરી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી યોગદાન ઓગસ્ટમાં સતત બીજા મહિને રૂ. 23 હજાર કરોડને વટાવી ગયું છે. ઓગસ્ટમાં રોકાણકારોએ તેમાં રૂ. 23,547 કરોડનું રોકાણ કર્યું હતું, જે જુલાઈમાં રૂ.23,332 કરોડની તુલનાએ વધ્યું છે. ઇક્વિટી માર્કેટમાં મિશ્ર ટ્રેન્ડ તેમજ વૈશ્વિક સ્તરે સતત વધી રહેલા જિયો પોલિટીકલ ઇશ્યુ વચ્ચે પણ રોકાણકારોને ઇક્વિટી સાથે મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ પ્રત્યે આકર્ષણ વધ્યું છે. કંપનીઓ દ્વારા આવી રહેલા નવા ફંડ ઓફરમાં પણ રોકાણ પ્રવાહ ઝડપી વધી રહ્યો છે.
ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ 3 ટકા વધીને રૂ. 38,239 કરોડ થયું હતું જે જુલાઈમાં રૂ. 37,113 કરોડ હતું. તે જ સમયે, સેક્ટોરલ/થિમેટિક ફંડ્સમાં રોકાણ એક ટકા ઘટીને રૂ.18,117 કરોડ થયું છે. આ સિવાય ઓગસ્ટમાં ELSS અને ફોકસ્ડ ફંડ્સ સિવાય તમામ કેટેગરીમાં રોકાણ જળવાઇ રહ્યું હતું જ્યારે ELSS ફંડ્સ અને ફોકસ્ડ ફંડ્સમાંથી સતત પાંચમા મહિને આઉટફ્લો ચાલુ રહ્યો હતો. ઓવરનાઈટ ફંડ્સમાં સૌથી વધુ રોકાણ નોંધાયું હતું. ઓગસ્ટમાં લિક્વિડ ફંડમાં રૂ.15,105 કરોડનું રોકાણ હતું, જ્યારે જુલાઈમાં રૂ. 4,451 કરોડનું રોકાણ હતું. તે જ સમયે, રોકાણકારો ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી દૂર રહ્યાં છે. ઓગસ્ટમાં રૂ.45,169 કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું. જે જુલાઈ કરતાં 62 ટકા ઓછું છે. જુલાઈમાં 1.19 લાખ કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું. હાઇબ્રિડ ફંડમાં કુલ રોકાણ 43 ટકા ઘટ્યું છે. ઓગસ્ટમાં 10 હજાર કરોડ રૂપિયા હતું જે જુલાઈમાં 17,436 કરોડ રૂપિયાનું થયું.