50 વર્ષમાં ડાયમંડ ઉદ્યોગમાં સૌથી લાંબી મંદી ચાલી રહી છે, જેથી સુરતના રત્નકલાકારોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ડાયમંડ વર્કર યુનિયનના દાવા પ્રમાણે 16 મહિનામાં 65 રત્નકલાકારોએ આપઘાત કર્યો છે. ત્યારે રત્નકલાકારોને મદદ કરી શકાય તે માટે યુનિયન દ્વારા હેલ્પલાઈ શરૂ કરવામાં આવી હતી જેમાં 1600 રત્નકલાકારોએ કોલ કર્યા હતા, જેમાં ઘણાની સ્થિતિ હૃદય હચમચાવી દેનારી હતી. એક યુવકને 20 લાખનું દેવું હતું અને નોકરી છૂટી જતાં આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો હતો. તેણે હેલ્પલાઈન પર કોલ કર્યો હતો. પત્નીનો સાથ અને દીકરીના વિચારથી આત્મહત્યા કરવાનું આખરે ટાળ્યું હતું.
હું 31 વર્ષનો છું. નોકરી છૂટી ગયા બાદ બચતમાંથી કારખાનું અને ગાર્મેન્ટ શોપ શરૂ કરી નવું ઘર, બે કાર અને બાઈક વસાવ્યા. જો કે, નુકસાની જતાં કારખાનું બંધ કરવું પડ્યું અને કોરોનામાં દુકાન પણ બંધ થઈ 4 કરોડનું દેવું થઈ ગયું. બધુ વેચાઈ ગયું. ત્યાર બાદ મોટી કંપનીમાં નોકરી મળતાં 40 લાખનું દેવું ચુકવ્યું. જો કે, ફરી નોકરી છૂટી જતાં સતત આપઘાતના વિચારો આવતા. મારે પત્ની, એક દીકરી અને એક દીકરો છે. દીકરી 4 વર્ષની છે. યુનિયનની હેલ્પલાઈન પર કોલ તેમણે રાશન આપી દીકરીની ફી ભરી. યુનિયને કહ્યું કે, તમે આપઘાત કરશો તો પત્ની-સંતાનોનું શું થશે?
હું 35 વર્ષનો છું. મારે એક દીકરી, એક દીકરો છે. હું અને પત્ની કારખાનામાં કામ કરી મહિને 60 હજાર કમાતા હતા. 2 વર્ષમાં પગાર 40 હજાર થઈ ગયા. પત્નીની નોકરી જતી રહી. મારો પગાર 17 હજાર હતો ત્યારે કારખાનું બંધ થઈ ગયું. હવે કડિયાકામ-કલર કરું છું પણ રોજ કામ મળતું નથી. મારા સંતાનો સરકારી સ્કૂલમાં છે. 3 મહિનાથી ટ્યુશન છોડાવી દેવા પડ્યા. યુનિયનની હેલ્પલાઈન પર કોલ કરતાં તેમણે રાશનની કિટ અને સંતાનોની ટ્યુશન ફી ભરી છે. કામ શોધવા માટે મદદ કરે છે. હાલમાં તો એક સંબંધીએ પત્નીને 5 હજારની રાખડી લઈ આપતાં રોજ રાખડી વેચવા જઈ રહી છે.