વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકોટની આઠે આઠ બેઠક પર તમામ રાજકીય પાર્ટીએ પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. આજે ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે રાજકોટમાં બાકી રહેલા ઉમેદવારો પોતાના ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવશે. રાજકોટની પૂર્વ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આજે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ ફોર્મ ભરતા પહેલા સભા યોજશે. તેમજ ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ધનિક ઉમેદવાર જાહેર થાય તો નવાઈ નહીં. 2017માં તેઓએ 141 કરોડ સંપતિ દર્શાવી હતી. જસદણ વિધાનસભા 72ના ભાજપના ઉમેદવાર કુંવરજીભાઈ બાવળિયાએ ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા જનડા ગામ ખાતે પોતાના કુળદેવી માતાજીના દર્શન કર્યા હતા. ત્યારબાદ જસદણ અને વીંછિયાના ગઢડીયા ગામે મેલડી માતાજીના દર્શન કર્યા હતા. રેલી સ્વરૂપે ઉમેદવારી ફોર્મ ભરવા માટે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનો જસદણના આટકોટ રોડથી સેવા સદન ખાતે નીકળ્યા છે. આ સમયે જસદણના રાજવીએ બાવળિયાને અભિનંદન પાઠવ્યા હતા.
વઢવાણ બેઠક પર ભાજપે જીજ્ઞા પંડ્યાનું નામ બદલીને જગદીશ મકવાણાનું નામ જાહેર કરતા રાજકોટના બ્રહ્મ સમાજમાં વિરોધ ઉઠ્યો છે. બ્રહ્મ સમાજના અગ્રણી મિલન શુક્લએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું છે કે, આ બ્રહ્મ સમાજનું અપમાન છે. સૌરાષ્ટ્રમાં બ્રહ્મ સમાજને ભાજપે એક પણ ટિકિટ આપી નથી. જીજ્ઞા પંડ્યાની જેમ રાજકોટ પશ્ચિમની બેઠક પર બ્રાહ્મણ ઉમેદવાર જાહેર કરવાની માગ કરી છે. બીજી તરફ રાજકોટ પશ્ચિમ બેઠક પર ગોપાલ અનડકટનું ઉમેદવાર તરીકે નામ જાહેર ન થતા તેઓ નારાજ થયા છે. યાજ્ઞિક રોડ પર વિવેકાનંદ સ્ટેચ્યુ ખાતે કાર્યકરો એકઠા થયા છે.