ઈઝરાયલમાં સામાન્ય ચૂંટણીના મતદાન બાદ મતગણતરી ચાલુ છે. 85 ટકા મતોની ગણતરી થઈ ચૂકી છે. શરૂઆતના ટ્રેન્ડ મુજબ પૂર્વ પીએમ બેન્ઝામિન નેતન્યાહૂની લિકુડ પાર્ટી જીતી શકે છે. લિકુડ પાર્ટીને 31 સીટો મળશે અને તે કટ્ટરવાદી જમણેરી અને રુઢિવાદી યહૂદી પક્ષો સાથે મળીને બહુમત પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકે છે.
40 પક્ષો એવા છે જેમને 3.25% વોટ ટર્નઓવર પણ નથી મળી રહ્યું એટલા માટે તે નિસેટ(સંસદ) નહીં પહોંચી શકે. નિષ્ણાતો અનુસાર નેતન્યાહૂ જીતશે તો પેલેસ્ટિનીઓને રોકવા માટે બની રહેલી દીવાલનું કામ આગળ વધી શકે છે. નેતન્યાહૂ માને છે કે આંતકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અસરદાર રીતે લાગુ કરવા દીવાલ ઊભી કરવી જરૂરી છે.
ધાર્મિક ઝાયોનિઝમ પાર્ટીના નેતા અને નેતન્યાહૂના ગઠબંધન સહયોગી બેન ગ્વિરે માગ કરી છે કે તેમને નવી સરકારમાં આંતરિક સુરક્ષા મંત્રી બનાવાય. તેનાથી પોલીસ વિભાગ તેમની હસ્તક આવી જશે. બેન 2007માં જાતિવાદ ઉશ્કેરવા બદલ દોષિત જાહેર થયા હતા. તે પ્રતિબંધિત કચ આતંકવાદી જૂથના સમર્થક પણ રહ્યા છે.
નેતન્યાહૂ પીએમ બનશે તો ભારત અને ઈઝરાયલ બંને દેશ આતંકવાદ, ટેક્નોલોજી અને દ્વિપક્ષીય વેપાર પર એકસાથે કામ કરી શકે છે. બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પણ થઈ શકે છે. નેતન્યાહૂ અને પીએમ મોદી વચ્ચે સારા સંબંધો રહ્યા છે. મોદી ભારતના પહેલા પીએમ છે જેમણે ઈઝરાયલની મુલાકાત લીધી હતી.