ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોનો તેજીથી વધતો ઉપયોગ એ વિદેશી કંપનીઓ માટે મોટી તક સાબિત થશે, જેની પેટ્રોલ-ડીઝલ કાર ભારતના માર્કેટમાં સફળ રહી નથી. આવી કંપનીઓ માટે માર્કેટ પર રહેલી મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને તાતા મોટર્સ જેવી સ્થાનિક કંપનીઓની મજબૂત પકડ ઢીલી કરવી મુશ્કેલ રહ્યું છે. પરંતુ ઇવી સેગેમેન્ટમાં આ કંપનીઓને મોટી તક જોવા મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને વિદેશી કાર કંપનીઓ ભારતમાં 30,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરવા જઇ રહી છે.
એમજી મોટર ઇન્ડિયા, રેનો એસએ, નિસાન મોટર જેવી કંપની તેમજ ફોક્સવેગન જેવી કંપનીઓ ભારતીય માર્કેટને લઇને ખાસ રણનીતિ પર કામ કરી રહી છે. આ કંપનીઓએ પેટ્રોલિયમ કારનું વિસ્તરણ ઘટાડીને ઇવી પર ફોકસ વધારવાની યોજના બનાવી છે. દેશના લક્ઝરી ઇવી માર્કેટમાં ગ્લોબલ કંપનીઓ પહેલા જ અનેક મૉડલ લૉન્ચ કરી ચૂકી છે. વૉલ્વો કાર્સ, જેએલઆર અને સ્ટેલેન્ટિસ તેમાં સામેલ છે.