સોમવારે (16 સપ્ટેમ્બર) કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટરની રેપ-હત્યાનો વિરોધ કરી રહેલા ડૉક્ટરો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે બેઠક યોજાઈ હતી. લગભગ 11:50 વાગ્યે મમતા બેનર્જીએ પ્રેસ કોન્ફરન્સમાં આ મીટિંગ વિશે માહિતી આપી.
મમતાએ કહ્યું કે કોલકાતા પોલીસ કમિશનરને હટાવવામાં આવશે. નવા કમિશનર આવતીકાલે સાંજે 4 કલાકે ચાર્જ સંભાળશે. આ સાથે આરોગ્ય સેવાઓના નિયામક, તબીબી શિક્ષણ નિયામક અને ઉત્તર કોલકાતાના ડેપ્યુટી કમિશનરને પણ હટાવવામાં આવશે.
મમતાએ કહ્યું કે અમે ડોક્ટરોની પાંચમાંથી ત્રણ માંગણીઓ સ્વીકારી લીધી છે. હવે અમે ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરીએ છીએ. વિરોધ કરી રહેલા કોઈપણ તબીબ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં.
જ્યારે, વિરોધ કરી રહેલા ડોકટરોનું કહેવું છે કે મુખ્યમંત્રીએ અમારી માંગણીઓ પૂરી કરવાનું વચન આપ્યું છે, પરંતુ જ્યાં સુધી આ વચન વાસ્તવિકતામાં નહીં બદલાય ત્યાં સુધી અમારો વિરોધ ચાલુ રહેશે. પોલીસ કમિશનરને હટાવવા એ અમારી નૈતિક જીત છે.