દેશમાં વેચાતાં કોલ્ડ્રિંક્સમાં આઇસીએમઆરના માપદંડોથી પાંચ ગણી વધુ ખાંડ નાખવામાં આવે છે. આ ડ્રિંક્સ બનાવવા ઉપયોગમાં લેવાતી સામગ્રી અને તેમાં રહેલી કેલેરી પણ છુપાવવામાં આવી રહી છે. ભાસ્કરે તપાસમાં જાણ્યું કે આ ડ્રિંક્સની બોટલમાં લોગોવાળી લેબલની પાછળ ખૂબ નાની જગ્યામાં આ સામગ્રી કે ‘ઇન્ગ્રેડિએન્ટ્સ’ની જાણકારી આપવામાં આવે છે.
જ્યારે, આ કંપનીઓ પોતાના મૂળ દેશ અમેરિકામાં જે ડ્રિંક્સ વેચે છે, તેમાં લોગોવાળા લેબલની નીચે વધુ એક લેબલ લગાવવામાં આવે છે, જેમાં મોટા અક્ષરોમાં ‘ઇન્ગ્રેડિએન્ટ્સ’ અને કેલેરીની જાણકારી લખેલી હોય છે. અમેરિકામાં સિંગલ ડ્રિંક બોટલ 330 મિલીની હોય છે, જેથી લોકો એક દિવસમાં 250 મિલીથી વધુ ન લે. ભારતમાં આ બોટલ 750 મિલીની છે, જેમાં લગભગ 80 ગ્રામ ખાંડ હોય છે.