દેશમાં ખરીફ સિઝન 2022-23 દરમિયાન વાવેતર વિસ્તારમાં ઘટાડો તેમજ નીચી ઉત્પાદકત્તાના કારણે ડુંગળીનું ઉત્પાદન 13 ટકા ઘટીને 9.5 મિલિયન ટન રહેવાની ધારણા છે. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ખરીફ સિઝન 2021-22 દરમિયાન, ડુંગળીનું કુલ ઉત્પાદન 10.8 મિલિયન ટન રહ્યું હતું. જો કે રવિ સીઝનની ડુંગળીના પૂરતા જથ્થાને કારણે ખરીફ સિઝન દરમિયાન ઓછા ઉત્પાદનથી કિંમતમાં વધારાને પણ અંકુશમાં રાખી શકાશે.
રવિ સિઝન 2021-22 દરમિયાન કુલ 20 મિલિયન ટન ડુંગળીનું બમ્પર ઉત્પાદન નોંધાયું હતું. જેમાં વાર્ષિક સ્તરે 17 ટકાની વૃદ્વિ જોવા મળી હતી. ક્રિસિલના રિપોર્ટ અનુસાર ભારતમાં દર મહિને 13 લાખ ટન ડુંગળીનો વપરાશ થાય છે. જેને કારણે દેશના દરેક ઘરમાં ડુંગળી એક મહત્વનો ખાદ્યપદાર્થ બન્યો છે.
દેશના અનેક શહેરોમાં ડુંગળીનો જથ્થો મુખ્ય ચાર રાજ્યોમાંથી આવે છે. જેમાં મહારાષ્ટ્રમાંથી 13.3 મિલિયન ટન, મધ્યપ્રદેશમાંથી 4.7 મિલિયન ટન, કર્ણાટકમાંથી 2.7 મિલિયન ટન અને ગુજરાતમાંથી 2.5 મિલિયન ટન ડુંગળીનો જથ્થો આવે છે. દેશના કુલ ઉત્પાદનમાં આ ચાર રાજ્યોનો હિસ્સો 75 ટકા છે. છેલ્લા ત્રણ વર્ષમાં આબોહવામાં સતત બદલાવને કારણે પાકની ઉપજને અસર થઇ હતી તેમજ ચોમાસાને કારણે ખરીફ સિઝનના પાકને પણ નુકસાન થયું હતું જેને કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે અને કિંમતો પણ વધી છે.