દેશમાં ઑક્ટોબર મહિનામાં નવા બિઝનેસમાં વૃદ્વિ તેમજ રોજગારીમાં વધારો તથા મજબૂત માંગને કારણે દેશના સર્વિસ સેક્ટરનો PMI સપ્ટેમ્બરના 54.3ના છ મહિનાના નીચલા સ્તરથી વધીને ઑક્ટોબર દરમિયાન 55.1 નોંધાયો છે.
પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI)ની દૃષ્ટિએ, 50ની ઉપરના આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે 50ની નીચેનો આંક સંકોચન દર્શાવે છે. સતત 15માં મહિને 50ના આંકથી ઉપર હતો. તેમાં ઑક્ટોબર મહિનામાં ખાસ કરીને ઝડપી વધારો જોવા મળ્યો છે.
S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સના ઇકોનોમિકસ એસોસિયેટ ડાયરેક્ટર પોલિયાના ડે લિમાએ જણાવ્યું કે ઑક્ટોબરના પરિણામો દર્શાવે છે કે સર્વિસ સેક્ટરમાં કંપનીઓને નવા વર્ક ઓર્ડર મેળવવામાં કોઇ મુશ્કેલી નડી ન હતી. તદુપરાંત મજબૂત માંગને પહોંચી વળવા માટે બિઝનેસ ગતિવિધિ તેમજ પેરોલ નંબર્સમાં પણ વધારો કરવામાં આવ્યો હતો જેને કારણે વિસ્તરણ શક્ય બન્યું હતું.
સરવે અનુસાર, નવા બિઝનેસની વૃદ્વિ માટે સ્થાનિક માર્કેટ મુખ્ય માધ્યમ રહ્યું હતું. જો કે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરની શરૂઆતમાં વિદેશી વેચાણમાં ઘટાડો થયો હતો. માર્ચ 2020માં કોવિડ-19ની શરૂઆતથી જ આંતરરાષ્ટ્રીય માંગમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.