બિટકોઈનની કિંમતમાં તેજીનું મુખ્ય કારણ અમેરિકન નાણાકીય કંપનીઓ દ્વારા ઈટીએફની શરૂઆત પછી મોટા પાયે બિટકોઈનની ખરીદી છે. બિટકોઇનનો ભાવ સર્વોચ્ય સપાટી $68,991.85ને સ્પર્શવાની સાથે જ માર્કેટ વેલ્યૂ રેકોર્ડ $1.35 ટ્રિલિયન પર પહોંચી ગયું હતું, જે નવેમ્બર 2021એ નોંધાયેલા સૌથી વધુ $1.28 ટ્રિલિયનને ઓળંગી ગયું હતું. કોરોના પછી ક્રિપ્ટોમાં શરૂ થયેલી તેજી વિવિધ કારણોસર વિક્રમી સપાટીએ પહોંચી છે.
શેરબજાર અને સોના કરતાં પણ વધુ એકવાર સૌથી ઝડપી અને વધુ રિટર્ન ક્રિપ્ટો માર્કેટમાં જોવાયું છે. છેલ્લા કેટલાક સમય દરમિયાન અમેરિકામાં ક્રિપ્ટોમાં ઇટીએફની સંખ્યા વધવાની સાથે કેટલાક દેશોમાં યુદ્ધની સ્થિતિને કારણે વર્ચ્યુલ કરન્સીના કામકાજમાં થયેલા વધારાને કારણે ક્રિપ્ટોમાં તેજી આવી છે. આને કારણે બિટકોઇન, ઇથેરિયમ, ગ્રીન સટોસી ટોકન, ઇન્ટરનેટ કોમ્પયુટર પ્રોટોકલ યુરો/ ડોલર, લિસ્ક યુરો/ ડોલર, મિરર પ્રોટોકલ સેનેપ્સી જેવી અન્ય ક્રિપ્ટોના ભાવમાં છેલ્લા એક વર્ષમાં 200થી 350 ટકા સુધીનો ઊછાળો નોંધાયો છે.
ગ્રેસ્કેલ, બ્લેકરોક અને ફિડેલિટી જેવી રોકાણ કંપનીઓ આ ડિજિટલ એસેટ ખરીદવા માટે અબજો ડોલરનો ખર્ચ કરી રહી છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં આ નાણાકીય રીતે મજબૂત સંસ્થાઓએ એટલા બધા બિટકોઇન્સ ખરીદ્યા છે કે તે બિટકોઇન વ્હેલની શ્રેણીમાં આવી ગયા છે. બિટકોઈન વ્હેલ તે છે જે તેના ડિજિટલ વોલેટમાં 10,000 થી વધુ બિટકોઈન રાખે છે.
ક્રિપ્ટો માર્કેટ ફરી સર્વોચ્ય સપાટીની નજીક પહોંચી ગયું છે. કોરોના પછી ભાવમાં મોટો ઘટાડો આવ્યો હતો. બિટકોઇનની જ વાત કરીયે તો ભાવ ત્યારબાદ નીચામાં 8,000 ડોલર સુધી ગબડ્યા હતા. વર્ષ અગાઉ ભાવ 19,600 ડોલરની સપાટીએ હતા.