ઓખા મંડળના આરંભડા વિસ્તારમાં રહેતા એક પરિવારમાં યુવાન દ્વારા પોતાની પત્નીની હત્યા કરીને પોતે પણ આપઘાત કરી લીધાના બનાવે ભારે ચર્ચા જગાવી છે. ઘરકંકાસને લઈ બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા પતિએ તીક્ષણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકી પત્નીની નિર્મમ હત્યા કરી હતી. સાથે જ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હતો. બંનેના મૃતદેહ એક જ રૂમમાંથી મળી આવ્યા હતા. દંપતીના મૃત્યુના કારણે તેઓના બે સંતાનો નોંધારા બની ગયા છે.
આ કરુણ બનાવની જાણવા મળતી વિગત મુજબ દ્વારકા તાલુકાના મીઠાપુર તાબેના આરંભડા- સુરજકરાડી વિસ્તારમાં રહેતા ભાવનાબેન વલૈયાભા માણેક (આશરે 30 વર્ષ)ના હિન્દુ વાઘેર મહિલાને તેના પતિ વલૈયાભા માણેક સાથે ગઈકાલે સોમવારે રાત્રિના સમયે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાયેલા વલૈયાભાએ રાત્રિના સમયે પોતાના પત્ની ભાવનાબેનને છરી જેવા તીક્ષણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકી તેમની હત્યા નીપજાવી હતી. આ પછી તેણે પોતે પણ ઘટનાસ્થળ ઉપર જ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ બંને મૃતદેહ એક જ ઘરના એક જ રૂમમાંથી મળી આવ્યા હતા.