એશિયા કપ-2023ની છેલ્લી સુપર-4 મેચમાં ટીમ ઈન્ડિયાને 6 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. છેલ્લી ઓવર સુધી રમાયેલી રોમાંચક મેચમાં ટીમને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલી બાંગ્લાદેશ સામે હાર મળી હતી. બાંગ્લાદેશી ટીમે 2012 બાદ આ ટુર્નામેન્ટમાં ભારત પર જીત મેળવી છે.
આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાઈ ગઈ હતી. ભારતે ટૉસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 265 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા તરફથી યુવા ઓપનર શુભમન ગિલે 121 રન બનાવ્યા હતા. છેલ્લે છેલ્લે અક્ષર પટેલે સારો પ્રયાસ કર્યો હતો, પણ તે 42 રને આઉટ થયો હતો. અક્ષર મેચમાં ટીમનો સેકન્ડ હાઇ રનસ્કોરર રહ્યો હતો. બાંગ્લાદેશ તરફથી સૌથી વધુ મુસ્તફિઝુર રહેમાને 3 વિકેટ ઝડપી હતી. મેહદી હસન અને તઝમીન હસને 2-2 વિકેટ લીધી હતી. તો શાકિબ અલ હસન અને મેહદી હસન મિરાઝને 1-1 વિકેટ મળી હતી.
ગિલે તેની પાંચમી સદી ફટકારી, એશિયા કપની પહેલી
ઓપનર શુભમન ગિલે તેની વન-ડે કારકિર્દીની પાંચમી સદી ફટકારી હતી. તેણે એશિયા કપમાં પોતાની પ્રથમ સદી પૂરી કરી હતી. આ વર્ષે ગિલની આ ચોથી સદી છે. ગિલે 90.97ની સ્ટ્રાઈક રેટથી 133 બોલમાં 121 રન બનાવ્યા હતા.