ભાજપના પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાએ બીજો લેટર બોમ્બ ફોડી ફરી મોટો ધડાકો કર્યો છે. ખાસ કરીને જિલ્લા ભાજપ કાર્યાલયનું બાંધકામ શરતભંગ કરીને કર્યું હોવાનું તેમણે જણાવ્યું છે. એટલું જ નહિ અનઅધિકૃત બાંધકામ મામલે વર્ષ 2017માં જ તત્કાલીન કલેકટરને જાણ કરી દીધી હતી.જવાહર ચાવડાએ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે ખુલ્લો મોરચો માંડ્યો છે. તેમણે પહેલા લેટરમાં જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ હોવાના તોરમાં આ માણસે ભાજપ કાર્યાલયનું બાંધકામ પણ નિયમો નેવે મૂકીને કર્યું છે.
વોકળા દબાણોમાં પણ જનાબ શિરમોર છે.એમના દ્વારા નિર્મિત કિષ્ના આર્કેડ ખોટી મંજૂરી, ખોટું બાંધકામ અને કાયમી દબાણ કર્યું છે. ત્યારે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી કે જ્યાં બોલવાની પણ મનાઇ છે ત્યાં આવા સનસનીખેજ આક્ષેપો કરી જવાહર ચાવડાએ રાજકારણમાં ચકચાર જગાવી છે.હવે તેઓ આરપારની લડાઇ લડવા માંગતા હોય તેમ મોરચો સંભાળ્યો છે અને ભાથામાંથી એક પછી અેક તીર નિશાને પર લગાવી રહ્યા છે. જવાહર ચાવડાની આ હિંમતથી ભાજપના અનેક અસંતુષ્ટો પણ અંદરખાને ગેલમાં આવી ગયા છે. તો કેટલાક આ મામલે ખુલીને મેદાનમાં આવી ગયા છે. જેને લઇને ભાજપ મોવડી મંડળ પણ ડેમેજ કન્ટ્રોલ મામલે માથું ખંજવાળી રહ્યું છે.