શહેરની ભાગોળે આવેલી મારવાડી કોલેજ છાશવારે વિવાદમાં સપડાય છે. કોલેજની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીનો નહાતી વખતનો વીડિયો તેની સાથી છાત્રાએ ઉતારી તેને તેના બોયફ્રેન્ડને સેન્ડ કરતાં હોબાળો મચી ગયો હતો. આ છાત્રાએ અગાઉ અનેક વીડિયો ઉતાર્યાની શંકા સેવાઇ રહી છે. ભોગ બનનાર વિદ્યાર્થિનીઓએ આ છાત્રાની હોસ્ટેલમાં જ ધોલાઇ કરી હતી.
મારવાડી કોલેજમાં આંધ્રપ્રદેશની અનેક યુવતીઓ અભ્યાસ કરે છે અને કોલેજની હોસ્ટેલમાં જ રહે છે. એન્જિનિયરિંગના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થિની સાથે રૂમમાં રહેતી હતી. એક વિદ્યાર્થિની હોસ્ટેલના બાથરૂમમાં નહાવા ગઇ હતી ત્યારે અચાનક જ તેની નજર બાથરૂમના ઉપરના ભાગે પડી હતી અને તેનો નહાતી વખતનો વીડિયો તેની રૂમ પાર્ટનર ઉતારી રહ્યાનું દેખાયું હતું. આ ઘટનાથી વિદ્યાર્થિની સ્તબ્ધ થઇ ગઇ હતી અને તેણે તેની સાથી વિદ્યાર્થિનીઓને આ અંગેની જાણ કરતાં વિદ્યાર્થિનીઓ રોષે ભરાઇ હતી.