બેંગલુરુના મહાલક્ષ્મી હત્યા કેસના મુખ્ય આરોપીએ બુધવારે બપોરે ઓડિશાના ભદ્રક જિલ્લાના એક ગામમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને તેની પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. બેંગલુરુ પોલીસ પણ આરોપીને શોધી રહી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ મુક્તિરંજન રોય છે. તેનો મૃતદેહ અરડી પોલીસ ચોકીના ભુઈનપુર ગામ પાસે ઝાડ પર લટકતો મળી આવ્યો હતો. તેની બાઇક પણ ત્યાં પાર્ક કરેલી મળી આવી હતી. સુસાઈડ નોટમાં મુક્તિરંજને મહાલક્ષ્મીની હત્યાની કબૂલાત કરી છે.
20 સપ્ટેમ્બરે બેંગલુરુના વ્યાલીકાવલ વિસ્તારમાં બાસપ્પા ગાર્ડન પાસેના ત્રણ માળના મકાનમાંથી 29 વર્ષીય મહાલક્ષ્મીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીરના 59 ટુકડા કરી રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા. જ્યારે રૂમમાંથી દુર્ગંધ આવી ત્યારે હત્યાનો ખુલાસો થયો હતો.
મહાલક્ષ્મી પરિણીત હતી અને 4 વર્ષથી તેના પતિથી અલગ રહેતી હતી. બેંગલુરુમાં એક મોલમાં કામ કરતી હતી. તેને 4 વર્ષની દીકરી પણ છે. મહાલક્ષ્મીના પરિવારે તેના સહકર્મીઓ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.