સુરતના બે યુવાનો યુક્તા મોદી અને સતિશ સુતરીયા લક્ઝુરિયસ લાઈફ જીવવા અને વિદેશમાં સેટ થવાના ચક્કરમાં કાયદાને હાથમાં લઈ રહ્યા હતા. પરંતુ જિંદગીને શોર્ટકટથી સુખી બનાવવાના ચક્કરમાં તેઓ ATSના સકંજામાં આવી ગયા હતા. દુબઇ મારફતે ગેરકાયદેસર કેમિકલ મોકલી, બોગસ ઇન્વોઈસ બનાવી કસ્ટમ અને નાર્કોટિક્સ વિભાગની આંખમાં ધૂળ નાખી રહ્યા હતા. જોકે, ગુજરાત ATSએ આ રેકેટનો પર્દાફાશ કરી બંનેની ધરપકડ કર્યા બાદ પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા અને તપાસને આગળ વધારી છે.
વિદેશ જવાની તલપ, દુબઇમાં ઓફિસ અને 'ડબલ ગેમ' યુક્તા મોદી સુરત જિલ્લાના ઓલપાડની રહેવાસી છે. ભવ્ય જીવનશૈલી જીવવા માગતી હતી. તે વિદેશ પણ ઘણીવાર જઈ ચૂકી હતી. સતિશ સુતરિયાએ તો વિદેશમાં એક ઓફિસ પણ ખોલી દીધી હતી. દુબઇથી માલ મોકલ્યા બાદ ઇન્વોઈસ અને લેબલ બદલવામાં આવતા હતા. જેથી અસલી માલ છૂપાઈ રહે અને ગેરકાયદેસર નિકાસ શક્ય બને. ATSની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપીઓ ગ્વાટેમાલા અને મેક્સિકોની કંપનીઓને ભારતમાંથી પ્રતિબંધિત કેમિકલ મોકલી રહ્યા હતા. જે ફેન્ટાનિલ જેવા ખતરનાક ડ્રગ્સ બનાવવામાં વપરાય છે.
પ્રતિબંધિત કેમિકલ્સની ગેરકાયદેસર નિકાસના કૌભાંડનો ગુજરાત ATS દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. ઓલપાડના નામાંકિત મોદી પરિવારની દીકરી પ્રતિબંધિત ડ્રગ્સ કૌભાંડમાં ઝડપાયા બાદ હવે જિલ્લાભરમાં આ મુદ્દાને લઈને ભારે ચર્ચા શરૂ થઈ છે. ઓલડપાડમાં રહેતી યુક્તા મોદીના પિતા વ્યાજ ઉપર રૂપિયા આપવાનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. યુક્તાના કાકા અમરિશ મોદી ઓલપાડ ગામના સરપંચ રહી ચૂક્યા હતા. 8થી 10 વર્ષ સુધી તેઓ સરપંચ તરીકે રહ્યા હોવાને કારણે ઓલપાડમાં તેમનો પરિવાર ખુબ જાણીતો હતો.