મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેનસિંહે પાંચ દિવસ પહેલાં વિધાનસભામાં કહ્યું હતું કે મ્યાનમાર સરહદ સાથે જોડાયેલા પાંચ પહાડી જિલ્લામાં વણઓળખાયેલાં ગામો વસી ગયાં છે. જેના કારણે મણિપુરની ડેમોગ્રાફી બગડી ગઇ છે. સીએમે પોતાના નિવેદનમાં આવાં ગામોની સંખ્યા દર્શાવી ન હતી પરંતુ જમીન અને મહેસૂલી વિભાગ પાસેથી મળેલા ડેટાથી જાણવા મળ્યું છે કે 2006થી અત્યાર સુધી મણિપુરના પાંચ પહાડી જિલ્લામાં 1853 ગેરકાયદે ગામ વસી ચૂક્યાં છે.
મોટા ભાગનાં ગામ મુખ્ય રસ્તાથી 5-6 કિમી અંદર જંગલોમાં સ્થિત છે. અહીં 15 હજારથી વધારે લોકો રહે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તેમાં કેટલાક તો મતદારો પણ બની ચૂક્યા છે. ગયા વર્ષે મે મહિનામાં હિંસા ભડકી ઊઠ્યા બાદ તપાસ કરાતા એક કારણ આ ગામ પણ હતાં.
હાલમાં જ સરકારે મ્યાનમારથી સ્વતંત્ર અવરજવર સાથે સંબંધિત સમજૂતી રદ કરી દીધા બાદ સરહદ પર નજર રાખવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ગૃહ મંત્રાલય દ્વારા મ્યાનમાર સાથે જોડાયેલી સરહદ પર વાડ બાંધવાની કામગીરી શરૂ કરી છે. મણિપુરના મોરેહ ટાઉનમાં 10 કિમીથી વધુ વિસ્તારમાં વાડ બાંધવામાં આવી ચૂકી છે.