રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નેતૃત્વ હેઠળ ટોચની 500 પ્રાઇવેટ સેક્ટર કંપનીઓનું મૂલ્ય $2.8 ટ્રિલિયન અથવા રૂ.231 લાખ કરોડ થયું છે, જે સાઉદી અરબ, સ્વિત્ઝર્લેન્ડ અને સિંગાપુરની સંયુક્ત જીડીપી કરતાં વધુ તેમજ દેશની જીડીપીના 71% બરાબર છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સતત ત્રીજા વર્ષે રૂ.15.65 લાખ કરોડના મૂલ્ય સાથે પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં સફળ રહી છે અને રૂ.3 લાખ કરોડના મૂલ્ય સાથે TCS બીજા સ્થાને છે.
હુરુન ઇન્ડિયા-એક્સિસ બેન્ક 2023ના રિપોર્ટ અનુસાર HDFCના મર્જર બાદ HDFC બેન્ક રૂ.10 લાખ કરોડ કરતાં વધુની માર્કેટ કેપ સાથે ત્રીજી સૌથી મૂલ્યવાન કંપની બની ચૂકી છે. આ કંપનીઓએ વર્ષ દરમિયાન 13%ની વેચાણ વૃદ્ધિ નોંધાવી છે અને $952 અબજનું વેચાણ ધરાવે છે, જે દેશની જીડીપી કરતાં વધુ છે, જે ચાલુ નાણાકીય વર્ષના અંતે $3.9 ટ્રિલિયનની રહેશે તેવું હુરુન ઇન્ડિયાના એમડી અનાસ રહમાને જુનૈદે જણાવ્યું હતું.