Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરમાં પૂર આવ્યાના 34 દિવસ બાદ રવિવારે ગાજવીજ સાથે ધોધમાર 5 ઈંચ વરસાદ પડતાં લોકોને ફરી પૂરનો ધ્રાસકો પડ્યો હતો. પૂરની ભીતિથી હરણી, માંજલપુર સહિતના વિસ્તારમાં લોકોએ ટુ વ્હીલરો બાંકડા-ડિવાઇડરો પર ચઢાવી દીધાં હતાં, જ્યારે કાર બ્રિજ પર મૂકી દીધી હતી. હરણીમાં 50થી વધુ પરિવાર હિજરત કરી સ્વજનોને ઘરે જતા રહ્યા હતા. જ્યારે આજવા રોડ અને વાઘોડિયા રોડની 315 જેટલી સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયાં હતાં. વિવિધ વિસ્તારમાંથી 200 લોકોનું સ્થળાંતર કરાયું હતું, જ્યારે સિદ્ધર્થ બંગલો, પરશુરામ ભઠ્ઠામાં એનડીઆરએફને તૈનાત કરાઈ છે. 25થી વધુ ઝાડ અને 15 હોર્ડિંગ્સ ધરાશાયી થયાં હતાં. બીજી તરફ ભારે વરસાદને કારણે ગરબા મેદાનો પણ પાણીથી તરબતર થઈ ગયાં હતાં.


શહેરમાં 5 ઈંચ વરસાદે જળ બંબાકારની સ્થિતિ સર્જી હતી. સિઝનમાં સતત ત્રીજીવાર અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઈ જતાં બંધ થઈ ગયું હતું. જ્યારે પ્રતાપનગરના દત્તનગરમાં ઘરોમાં પાણી ઘૂસી જતાં તરાપા ફરતા હતા. ઉપરાંત ખોડિયારનગર, ડી માર્ટ રોડ, પંચમ ચાર રસ્તા, ન્યૂ વીઆઈપી રોડ, આજવા રોડ, બાપોદ, કિશનવાડી, વૈકુંઠ, પુષ્ટિ દ્વાર, વાઘોડિયા રોડ સહિતની 315 સોસાયટીઓમાં વરસાદનાં પાણી ઘૂસી ગયાં હતાં. ઉપરાંત છાણી ગામમાં પણ હાઈવેનાં પાણી ઘૂસી ગયાં હતાં, જેને કારણે ગામના પ્રવેશ પાસે જ જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.