અડધી રાત થવા આવી છે અને તમે સમજ્યા-વિચાર્યા વિના નકારાત્મક સમાચારો વાંચતાંવાંચતાં સોશિયલ મીડિયા પર સ્ક્રોલિંગ કરી રહ્યા છો. જોકે રોજ સ્ક્રીન પર એ સમાચારો જુદા જુદા સ્વરૂપે જોઈ છે. દરેક વખતે આઘાત મળે છે અને પરસેવો વળી જાય છે પરંતુ તમે નજર ખસેડી શકતા નથી. વિજ્ઞાનની ભાષામાં આ સમસ્યાને ‘ડૂમસ્ક્રોલિંગ’ કહે છે. અમેરિકા અને ઈરાનના 800 યુનિવર્સિટી વિદ્યાર્થી પર થયેલા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સોશિયલ મીડિયા પર હેરાન કરી મૂકનારા સમાચારોને આદતવશ અને વધુ સ્ક્રોલ કરવાનું (ડૂમસ્ક્રોલિંગ) આપણને દુ:ખી, ચિંતિત અને ક્રોધિત કરી શકે છે. આ ઉપરાંત એ માનવતા અને જીવનનો અર્થ સમજવાની રીત બદલાવી શકે છે. અભ્યાસના લેખક અને ફ્લિન્ડર્સ યુનિવર્સિટીના મનોવિજ્ઞાની રેજા શબાંગ કહે છે કે તમે ઘટના સાથે સીધી રીતે ન જોડાયા હોવ તોપણ સતત નકારાત્મક સમાચારોના સંપર્કમાં રહેવાનું મનોવૈજ્ઞાનિક રીતે પ્રભાવિત કરી શકે છે. અભ્યાસ કહે છે કે દર્દનાક ઘટના સાથેના ફોટો અને માહિતી મળતાં લોકોમાં ચિંતા અને નિરાશા જેવા પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઑર્ડર જેવાં લક્ષણો જોવા મળ્યાં છે. શબાંગ કહે છે કે સતત ઓનલાઇન નકારાત્મક સમાચારો અને માહિતીઓથી જોડાયેલા રહીએ તો તેનાથી આપણે પોતાના જીવનમાં જોખમ અનુભવવા લાગીએ છીએ. તેનાથી વિશ્વ અને આસપાસના લોકો અંગે આપણો દૃષ્ટિકોણ વધુ નકારાત્મક થઈ શકે છે.
આપણો વિશ્વાસ ઘટવા લાગે છે, આપણે સૌને શંકાની નજરે જોવા લાગીએ છીએ. સંશોધકોએ દાવો કર્યો છે કે ડૂમસ્ક્રોલિંગથી અસ્તિત્વ પર જોખમ અંગેનો આ પહેલો અભ્યાસ છે.