શહેરના રૈયા ગામ 100 વારિયા પ્લોટમાં છેલ્લા છ વર્ષથી જોડિયા બાળકો સાથે માવતરે રહેતી જ્યોતિબેન નામની પરિણીતાએ આણંદપર ગામે રહેતા પતિ સંજય, સસરા નાગજીભાઇ દેવજીભાઇ ધમ્મર અને સાસુ જયાબેન સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, સંજય સાથે 2015માં લગ્ન થયા છે. લગ્નના ત્રણ મહિના દાંપત્યજીવન સરખું ચાલ્યા બાદ પોતે બીમાર પડતા સારવાર કરાવવા હોસ્પિટલ લઇ જવાને બદલે પિયર મૂકીને જતા રહ્યાં હતા. બાદમાં માતા-પિતા સમાધાન કરાવી સાસરે મોકલી દેતા હતા. ત્યાર બાદ પતિ દારૂ પીને ઘરે આવી પોતાને માર મારતા હતા.
સાસુ રસોઇ મુદ્દે જેમ તેમ ગાળો ભાંડી નોકરાણીની જેમ રાખતા હતા. લગ્ન બાદ પોતાને સંતાન ન હોય સાસુ-સસરા અવારનવાર મેણાં મારી હેરાન કરતા હતા. આ સમયે સસરાને નાણાંની જરૂરિયાત હોય પિતાએ સસરાને ઉછીના રૂપિયા આપ્યા હતા. લાંબા સમય પછી પિતાએ ઉછીના આપેલા રૂપિયાની સસરા પાસે ઉઘરાણી કરતા સસરાએ પોતાની સાથે ઝઘડો કરી પોતાને પિયર મૂકી આવવા પતિને કહ્યું હતું. આમ સામાન્ય બાબતે પરેશાન કરતા સાસરિયાઓ પોતાને પિયર મૂકી ગયા હતા. ફરી વખત માતા-પિતાએ સમાધાન કરી સાસરે મોકલી હતી. ત્યારે પોતે સગર્ભા થતા ફરી પતિ પિયર મૂકી ગયા હતા.
પિયરમાં સારવાર કરાવ્યા બાદ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. પિતાએ પતિ તેમજ સસરાને પોતાની આર્થિક પરિસ્થિતિ સારી ન હોય હવે પછીનો ખર્ચ તમે ઉપાડજો તેમ કહેતા પતિએ પોતાની સાથે ઝઘડો કર્યો હતો. જોડિયા બાળકોના જન્મ બાદ પતિ કે સાસુ-સસરાએ પોતાની કોઇ દરકાર લીધી ન હતી. છ મહિના બાદ પતિ પિતાને ત્યાં આવી ઝઘડો કરી જતા રહેતા હતા. અંતે વારંવારના ઝઘડાથી કંટાળી પોલીસમાં અરજી કરી હતી. જે અરજી બાદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.