26 ફેબ્રુઆરી 2025ના રોજ સુરતની શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે વેપારીઓને પાયમાલ કરી દીધા છે. 800થી વધુ કરોડના નુકસાન સાથે બિલ્ડિંગ હાલ જોખમી થઈ ગઈ છે. પાંચમાં માળનો સ્લેબ બેન્ડ મારી ગયો છે. જેથી વેપારીઓને જ્યારે અંદર પ્રવેશ આપવામાં આવે તે પહેલાં આખી બિલ્ડિંગનો સર્વે કરવામાં આવે છે અને કોઈ જોખમ ન જણાય તો જ અંદર પ્રવેશ આપવામાં આવે છે. 50 ટકા જેટલા વેપારીઓ દ્વારા અત્યાર સુધીમાં પોતાની નોંધણી કરાવી દેવામાં આવી છે. જ્યારે 200થી વધુ દુકાનોનું પંચનામું પણ કરી દેવામાં આવ્યું છે. જેમાંથી 70 જેટલા વેપારીઓ પાસે ઇન્સ્યોરન્સ હોવાનું પણ સામે આવ્યું છે. જોકે, આ તમામ પ્રોસેસ બાદ ઇન્સ્યોરન્સ મળતા ત્રણ મહિના જેટલો સમય લાગે તેવી પણ શક્યતાઓ છે.
પહેલા વાત કરીએ શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટની બિલ્ડિંગની... 25 ફેબ્રુઆરીના રોજ પહેલીવાર શિવશક્તિ ટેક્સ્ટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હતી. આ બેઝમેન્ટમાં ગેરકાયદે બનાવવામાં આવેલી દુકાનોમાં આ આગ લાગી હતી. પાંચથી છ કલાક બાદ આગ કાબુમાં લેવામાં આવી હતી. જોકે, બીજા દિવસે 26 જાન્યુઆરીના રોજ સવારમાં ફરી આગ લાગી ગઈ હતી. જે આગ પર કાબુ મેળવતા બે દિવસ જેટલો સમય લાગ્યો હતો. આગના પગલે અંદરથી કામગીરી ન થઈ શકતા આગ પર કાબુ મેળવવામાં વધુ સમય લાગી ગયો હતો. આગ કાબુમાં લેવાઈ ગયા બાદની અંદરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. બિલ્ડિંગ ખૂબ જ જોખમી હોવાના કારણે બે દિવસ કોઈને પણ અંદર પ્રવેશ કરવા દીધો ન હતો. 1 માર્ચ 2025ના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં વેપારીઓને અંદર જવાની અનુમતિ આપવામાં આવી હતી.