મચ્છુ હોનારત, ભયાવહ ધરતીકંપ સહિત કાળની અનેક થપાટો સહન કરી એ ભયાનક યાદોને દિલમાં ધરબીને આગળ વધવા મથતી પ્રજાની વધુ એક કસોટી 30મી ઓક્ટોબરે થઇ. ઝૂલતો પુલ તૂટી પડતાં 135 જિંદગી પર કાયમ માટે પૂર્ણવિરામ મૂકાઇ ગયું અને એ દર્દનાક બીના એક સપ્તાહ વીત્યા છતાં નજર સામેથી ખસતી નથી. હૈયુ હચમચાવે એવી દુર્ઘટનાની પીડા લોકો ભૂલવા ઇચ્છે છે પણ કદી પુરાઈ ન શકાય એવી ખોટ તેમના હૃદયનો ભાર ઓછો થવા દેતી નથી અને ન્યાય, સહાયની ચાલતી ગડમથલ વચ્ચે ચૂંટણી કે મતદાનનો હરફ સુધ્ધાં ઉચ્ચારવા રાજી નથી.
માહોલ જામે તે પહેલાં જ સાવ ફિક્કો બની ગયો છે. ચૂંટણી જાહેરાત થઈ હવે ઉમેદવારના નામ નક્કી થવાની મથામણ ચાલી રહ્યા છે. પરંતુ મોરબીમાં ચૂંટણીની ચર્ચા નહીં પણ મોતનાં તાંડવની જ વાત છે. શહેરનો નહેરુ ગેટ ચોક, ગ્રીન ચોક, બાપાસીતારામ ચોક, પાનના ગલ્લાથી લઈને ચાની કીટલી... જ્યાં પણ જાઓ માત્ર દુર્ઘટનાની જ વાત હજુ લોક મોઢે છે. એવા સમયે રાજકીય પક્ષો ક્યાં મોઢે લોકો પાસે મત માગવા જવું તેવું વિચારી મૂંઝવણમાં મૂકાયા છે. પ્રચારમાં ક્યો મુદો લાવવો એ પણ વિમાસણ સર્જાય તેવી સ્થિતિ છે. રાજકીય પક્ષોને, ઉમેદવારોને મત માગવા સમયે તેમના રોષનો ભોગ તો નહીં બનવું પડે એવો વિચાર આવી જાય તેવી પરિસ્થિતિ છે.