સ્ટાર્ટઅપ્સને નવા ભારતની કરોડરજ્જૂ ગણતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકોને બસ ન ચૂકવા તેમજ વર્ષ 2047 સુધીમાં $35 ટ્રિલિયનના અર્થતંત્ર તરફ ભારતની હરણફાળને જોતા તમામ તકોને ઝડપી લેવાનું પણ આહ્વાન કર્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક લીડર તરીકે ઉભર્યું છે અને તેની કહાની આત્મવિશ્વાસ, શ્રેષ્ઠ સંચાલન અને સતત ઇનોવેશનથી ભરપૂર છે. આગામી સ્ટાર્ટઅપ મહાકુંભ માટેની એક ઇવેન્ટને સંબોધિત કરતાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે આ ભારત માટે શ્રેષ્ઠ સમય છે અને ભારતનો ઉદય પણ થઇ રહ્યો છે. હું આશા રાખું છું કે દેશના તમામ સ્ટાર્ટઅપ્સ સુધી મારો સંદેશ પહોંચે અને તેઓ કોઇપણ તક ન ગુમાવે તેવી અપીલ છે.
આગામી મહિને યોજાનારી ઇવેન્ટ સ્ટાર્ટઅપની ક્રાંતિને દર્શાવશે. અમૃત કાળમાં દેશના ભાગ્યને ઘડવામાં વિદ્યાર્થીઓની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે ત્યારે ઇનોવેશન અને ઉદ્યોગ સાહિસકતામાં કુશળતા ધરાવતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે તે જરૂરી છે. આપણા ભાગ્યને આકાર આપશે અને આપણે અત્યારના $3.5 ટ્રિલિયનના અર્થતંત્રથી વર્ષ 2047 સુધીમાં $35 ટ્રિલિયનના અર્થતંત્ર તરફ પ્રયાણ કરી રહ્યાં છે.