રાજકોટમાં રહેતી 25 વર્ષીય મહિલા તબીબને સોશિયલ મીડિયાની મિત્રતા ભારે પડી છે. આરોપીએ યુવતીના ફોટો વાઈરલ કરવાની અને પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને 1 લાખ રૂપિયા પડાવી લીધા છે. જે બાદ પણ મિત્ર રાખવા દબાણ કરીને યુવતીના ફોટો સ્ટેટસમાં રાખી બદનામ કરતા આખરે કંટાળેલી મહિલા તબીબે યુવક સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 308 (5), 351(3), 78 મુજબ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા આરોપીની અટકાયત કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
ઈન્સ્ટાગ્રામ બાદ ફોન નંબરની આપ-લે કરી પોલીસને આપેલી ફરિયાદમાં મહિલા તબીબે જણાવ્યું હતું કે, હાલ તે પોસ્ટ ગ્રેજ્યુએશનની તૈયારી કરી રહી છે. તેમજ એમબીબીએસ સુધીનો અભ્યાસ તેને વલસાડ ખાતે કર્યો હતો. વર્ષ 2018માં ઈન્સ્ટાગ્રામ ઉપર હેમિલની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવેલી હતી. જે ફ્રેન્ડ રિક્વેસ્ટ મેં એક્સેપ્ટ કરી હતી. ત્યારબાદ અમે બંને ઈન્સ્ટાગ્રામમાં વાતચીત કરવા લાગ્યા હતા. તેમજ બંને વચ્ચે મિત્રતા પણ થઈ હતી. ત્યારબાદ અમે એકબીજાના મોબાઈલ નંબર શેર કરતા બંને એકબીજા સાથે વાતચીત કરવા લાગ્યા હતા.
યુવતીને ધમકી આપી મળવા બોલોવી વર્ષ 2019માં હેમિલ વલસાડ આવ્યો હતો. તેમજ મને કહેતો હતો કે, તું મારી સાથે ફ્રેન્ડશીપ રાખ નહીતર હું તારા પપ્પા તથા તારા પરિવારજનોને જાનથી મારી નાખીશ. તેમ કહી મને વલસાડના તિથલ બીચ ખાતે બોલાવતા હું તેને મળવા ગઈ હતી. ત્યારબાદ હેમિલ દ્વારા તેના મોબાઈલમાં અમારા બંનેના ફોટા પાડવામાં આવ્યા હતા. ત્યારબાદથી મારી અને હેમિલ વચ્ચે નોર્મલ ફ્રેન્ડશીપ થઈ ગઈ હતી અને નોર્મલ બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા.