દુનિયાના કેટલાક દેશોમાં હાલના સમયમાં હીટવેવની સ્થિતિ છે, પરંતુ એશિયન દેશોમાં ગરમીનું પ્રમાણ વધી ગયું છે. કેટલાક દેશોમાં તો પારો 45 ડિગ્રીને પાર કરી ગયો છે. અમેરિકાના નેશનલ ઓસિયાનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના અહેવાલ મુજબ કેટલાક દેશોમાં તો રાત્રીના સમયે પણ હીટવેવની સ્થિતિ છે. મે મહિનામાં રાતનું સરેરાશ તાપમાન દિવસની જેમ વધી ગયું છે. જ્યારે પશ્ચિમ એશિયા ( સીરિયા, ઇઝરાયલ, પેલેસ્ટાઇન, જોર્ડન , લેબનોન)માં હીટવેવની આશંકા પાંચ ગણી વધી ગઇ છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે જંગના કારણે હીટવેવની સ્થિતિ વધારે જટિલ બની ગઇ છે. એશિયામાં સતત ત્રીજા વર્ષે ઘાતક હીટવેવની સ્થિતિ છે. આનું એક કારણ અલ નીનો પણ છે. પ્રશાંત મહાસાગર તરફથી આવતા ગરમ પવનનોના કારણે પણ દુનિયાના દેશોમાં ગરમી વધી રહી છે.
વિયેતનામ : તળાવોમાં માછલીઓ મરી ગઇ, ઘરમાં રહેવાની સલાહ
વિયતનામમાં ગરમીના કારણે મોટી સંખ્યામાં માછલીઓ મરી ગઇ છે. કેટલાંક તળાવો સંપૂર્ણપણે સુકાઇ ગયાં છે. સરકારે લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી છે.
મ્યાનમાર : એપ્રિલથી ગયા સપ્તાહ સુધી રોજ 40 મોત
મ્યાનમારમાં એપ્રિલથી હીટવેવની શરૂઆત થઇ હતી. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ આના કારણે દેશમાં એપ્રિલથી 10મી મે સુધી દરરોજ 40 મોત થયાં છે. ત્યારબાદ મોચા તોફાનના કારણે પણ ભારે નુકસાન થયું હતું.
પાકિસ્તાન : સ્કૂલો બંધ, હોસ્પિટલમાં હાઇ એલર્ટ
વરસાદ અને પૂરના કારણે ત્રસ્ત રહેલા પાકિસ્તાનમાં હવે હીટવેવની સ્થિતિ છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ સામાન્ય કરતાં આઠ ડિગ્રી વધારે છે. પરીક્ષાઓ મુલતવી રાખવાની ફરજ પડી છે.
બાંગ્લાદેશ -થાઇલેન્ડ : 30થી વધુનાં મોત, સ્કૂલો બંધ
હીટવેવના કારણે બાંગ્લાદેશમાં હજુ સુધી 30થી વધુ લોકોનાં મોત થયાં છે. સ્કૂલ અને કોલેજો બંધ છે. બાંગ્લાદેશમાં તાપમાન સામાન્ય કરતાં સાત ડિગ્રી વધારે છે. થાઇલેન્ડમાં પણ ગરમીના કારણે એટલી જ સંખ્યામાં લોકોનાં મોત થયાં છે.