કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ મેના અંતે વર્ષ 2023-24ના બજેટ અંદાજના 11.8% નોંધાઇ છે. ગત વર્ષે એટલે કે વર્ષ 2022-23 દરમિયાન રાજકોષીય ખાધ 12.3% હતી. રાજકોષીય ખાધનો અર્થ સરકારની આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત છે. મે 2023ના અંતે ખાધ રૂ.2,10,287 કરોડ હતી તેવું કન્ટ્રોલર જનરલ ઑફ એકાઉન્ટ્સ (CGA)ના ડેટામાં જણાવવામાં આવ્યું છે. વર્તમાન બજેટમાં, સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રાજકોષીય ખાધનો લક્ષ્યાંક 5.9% રાખ્યો છે.
વર્ષ 2022-23માં 6.71%ના અંદાજ સામે જીડીપીના 6.4% ખાધ જોવા મળી હતી. 2023-24ના પ્રથમ બે મહિનાના સરકારની આવક-જાવકના ડેટા રજૂ કરતા CGAએ જણાવ્યું હતું કે ટેક્સ આવક બજેટ અંદાજની સામે 11.9 ટકા એટલે કે રૂ.2.78 લાખ કરોડ રહી હતી. જ્યારે કુલ ખર્ચ ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રજૂ કરવામાં આવેલા અંદાજના 13.9% એટલે કે રૂ.6.25 લાખ કરોડ રહ્યો હતો.