જૂનાગઢમાં ખલીલપુર રોડ પર રહેતા કમલેશભાઇ ઠુમર પોતાનો મોતિયો ઉતરાવવા માટે રાજકોટમાં આવેલી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે મધરાતે ત્યાં એક યુવક આવ્યો હતો અને ત્યાં સૂતેલા દર્દીઓને ઊંઘમાંથી ઉઠાડી- ઉઠાડીને ઓટીપી માંગી- માંગીને ભાજપના સભ્યો બનાવી દીધા હતા. કમલેશભાઇએ આ આખી ઘટનાનો વીડિયો પણ ઉતારી લેતા સમગ્ર ઘટના બહાર આવી હતી.
મને આંખોમાં ઝાંખપ આવતા તપાસ કરાવી હતી. મોતિયો આવી ગયો હોવાનું જણાતાં હું રવિવારે બસમાં મોતિયાના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં ગયો હતો. બપોરે 4 વાગ્યે હું એ હોસ્પિટલમાં પહોંચ્યો હતો એ પછી ત્યાં મને આંખમાં ટીપાં નાખી સારવાર કરી અને સાંજનું જમવાનું આપી જનરલ વોર્ડમાં આરામ કરવા માટે મોકલી દેવાયો હતો. આ વોર્ડમાં લગભગ 300થી 350 લોકો હતા, ત્યાં રાત્રિના 11 વાગ્યા આસપાસ એક યુવાન આવ્યો ને બધાને વારાફરતી ઉઠાડવા લાગ્યો હતો. અમને લાગ્યું કે કોઇ હોસ્પિટલ સ્ટાફ હશે, જે ટીપાં નાખવા કે કોઇ સારવાર માટે આવ્યો હશે.