ઈઝરાયલી દળોએ રવિવારે રાત્રે લેબનનમાં હિઝબુલ્લાહ સાથે જોડાયેલી બેંકોને નિશાન બનાવી હતી. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ આ વાતની પુષ્ટિ કરી છે. ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર, અલ-કર્દ અલ-હસન એસોસિયેશન હિઝબુલ્લાહના સભ્યોને વ્યાજમુક્ત લોન આપે છે. સમગ્ર લેબનનમાં એની 31 શાખા છે. આમાંથી કેટલી શાળાઓ પર હુમલો થયો છે એની માહિતી હજુ ઉપલબ્ધ નથી.
IDFએ કહ્યું હતું કે અમે હિઝબુલ્લાહને યુદ્ધ માટે નાણાં પૂરાં પાડવાથી રોકવા માટે બેંક શાખાઓને નિશાન બનાવી રહ્યા છીએ. IDFએ દાવો કર્યો હતો કે અલ-કર્દ અલ-હસન પાસે મોટી રકમની ઍક્સેસ હતી, જેનો ઉપયોગ હિઝબુલ્લાહે ઈઝરાયલ સામે કર્યો હતો.
ઈઝરાયલના એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે અલ-કર્દ અલ-હસનનાં નાણાંનો ઉપયોગ હિઝબુલ્લાહ દ્વારા તેના લડવૈયાઓને પગાર ચૂકવવા માટે કરવામાં આવતો હતો. આના પર હુમલો એ મોટી ઘટના છે. આનાથી હિઝબુલ્લાહની અર્થવ્યવસ્થા પર ઊંડી અસર પડશે. તેણે કહ્યું કે આ બેંકમાં હિઝબુલ્લાહના પૈસા છે, પરંતુ એ બેંક બધા પૈસા સંભાળતી નથી.