ફેસબુકની પેરેન્ટ કંપનીને યુરોપિયન યુનિયન (ઇયુ)માં ઝટકો લાગ્યો છે. ઇયુના નિયામકોએ મેટા પર ઇયુના ડેટા પ્રોટેક્શન કાયદાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવતા તેના પર રૂ.3,228 કરોડનો દંડ ફટકાર્યો છે. મેટા પર આરોપ છે કે કંપનીએ પોતાના યુઝર્સને ગેરકાયદેસર રીતે પર્સનલાઇઝ્ડ જાહેરાત જોવા માટે મજબૂર કર્યા છે. આ દંડ બાદ મેટાએ ઇયુમાં પોતાના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બિઝનેસમાં કેટલાક ફેરફાર કરવા માટે મજબૂર થવું પડશે.
આ બદલાવ કંપની માટે ખર્ચાળ સાબિત થઇ શકે છે. આ સમગ્ર મામલો એ હતો કે કઇ રીતે મેટાએ પોતાના યુઝર્સને પર્સનલાઇઝ્ડ જાહેરાત બતાવવા માટે તેમના ડેટા એકત્ર કરવાની ગેરકાયદેસર અનુમતિ લીધી હતી. કંપનીએ પોતાના લાંબા સર્વિસ એગ્રીમેન્ટમાં એવી ભાષાનો ઉપયોગ કર્યો જેને યુઝર્સે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ જેવી સેવાઓ યુઝ કરવા માટે સ્વીકાર કરવું જરૂરી હતું. તે અનુસાર જો યુઝર્સ પર્સનલાઇઝ્ડ જાહેરાતનો ઉપયોગ કરવા માટે પોતાના ડેટાનો ઉપયોગ કરવાની મંજૂરી નહીં આપે તો તેણે મેટાની સોશિયલ મીડિયા સર્વિસના ઉપયોગને સંપૂર્ણપણે બંધ કરવો પડશે. EUના અધિકારીઓએ કહ્યું કે સેવાની શરતોના રૂપમાં પર્સનલાઇઝ્ડ જાહેરાત માટે ગેરકાયદેસર રીતે સહમતિ હાંસલ કરવી એ જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (જીડીપીઆર)નું ઉલ્લંઘન છે.
આ નિર્ણયથી મેટાને મોટું નુકસાનઃ EUમાં મેટા વિરુદ્વ આ નિર્ણયથી દુનિયાભરમાં તેના પડઘા પડશે અને અનેક અન્ય દેશો પણ મેટાને કેટલાક બદલાવ કરવા માટે મજબૂર કરી શકે છે. જો મોટી સંખ્યામાં યુઝર્સ મેટાને પોતાના ડેટાના ઉપયોગની મંજૂરી નહીં આપે તો કંપનીને બિઝનેસમાં નુકસાન સહન કરવાની નોબત આવશે. આ પ્રકારની પ્રેક્ટિસથી મેટાએ 9.8 લાખ કરોડની કમાણી કરી હતી. જેનો મોટો હિસ્સો હવે ગુમાવવો પડશે.