માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જુએ લોકસભાની ચૂંટણીમાં એનડીએની જીત પર શુભેચ્છા પાઠવી હતી. ગયા સપ્તાહમાં ભારતમાં પીએમ મોદીની તાજપોશી સાથે સંબંધિત કાર્યક્રમમાં સામેલ પણ થયા હતા. મુઇજ્જુએ વિદેશમંત્રી એસ. જયશંકરને મળીને જુદા જુદા વિષય પર વાતચીત પણ કરી હતી. જોકે હવે માલદીવ પહોંચતાની સાથે જ મુઇજ્જુની ચીન પ્રત્યેની ભાવના ફરીવાર પ્રગટ થઇ ગઇ છે. ચીન પ્રત્યે તેમનું સમર્થન દેખાયું છે.
ચીને માલદીવ સરકારને પોતાના શોધખોળ અંગેના જહાજને ડોક કરવા માટે અપીલ કરી હતી. એમ કહેવામાં આવ્યું છે કે શ્રીલંકાની સરકાર દ્વારા ઇન્કાર કરવામાં આવ્યા બાદ જ ચીનના જહાજને પોતાના પોર્ટ પર ઊભા રહેવા માટેની માલદીવે મંજૂરી આપી દીધી છે.
કોલંબો સ્થિત થિન્ક ટેક ફેક્ટમના લીડ ઇન્ટરનેશનલ એનાલિસ્ટ ઉદિથા દેવપ્રિયાનું કહેવું છે કે છેલ્લા એક દશકથી ચીન હિન્દ મહાસાગરમાં ડીપ સી માઇનિંગ અભિયાનના લીડર તરીકે છે. આવનાર સમયમાં ચીન વધુ ને વધુ શોધખોળ સાથે જોડાયેલાં જહાજોને હિન્દ મહાસાગરમાં ઉતારશે. કારણ કે અહીં કોબાલ્ટ, નિકલ, મેંગેનીઝ અને કોપરના મોટા ભંડાર છે. સાથે જે દેશ આ ભંડારમાં ખાણ પ્રવૃત્તિ હાથ ધરવા ઇચ્છે છે તે દેશોને પહેલાં ઇન્ટરનેશનલ સીબેડ ઓથોરિટી પાસેથી મંજૂરી લેવાની જરૂર હોય છે. બ્રિટિશ જર્નાલિસ્ટ મોહમ્મદ ઇન્તિકાબનું કહેવું છે કે ચીન પહેલાં જ હિન્દ મહાસાગરમાં બે સ્થળો પર શોધ માટે 15 વર્ષનાં લાઈસન્સ ધરાવે છે.