આજે તિરુવનંતપુરમમાં સિરીઝની છેલ્લી મેચ રમાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 317 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 391 રનના ટાર્ગેટ સામે 22 ઓવરમાં માત્ર 73 રનમાં જ આઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાની ટીમની કુલ 9 વિકે પડી હતી. એક પ્લેયર રિટાયર્ડ હર્ટ થયો હતો, જેને કારણે તે બેટિંગમાં નહોતો આવ્યો. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ મોહમ્મદ સિરાજે 4 વિકેટ ઝડપી હતી. જ્યારે મોહમ્મદ શમી અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે એક રનઆઉટ થયો હતો. શ્રીલંકા તરફથી સૌથી વધુ નુવાનિદુ ફર્નાન્ડોએ 19 રન બનાવ્યા હતા. જ્યારે કસુન રજીથાએ 13 રન અને દાસુન શનાકાએ 11 રન કર્યા હતા. આ સિવાય શ્રીલંકાના કોઈ જ બેટર્સ ડબલ ડીજીટને ક્રોસ કરી શક્યા નહોતા. આ સજીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને વ્હાઇટવોશ કર્યું હતું. ટીમ ઈન્ડિયા 3 મેચની સિરીઝ 3-0થી ક્લિન સ્વિપ કરી લીધી છે.
ટીમ ઈન્ડિયાએ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ત્રણ મેચની સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. ભારતે આ મામલે ન્યૂઝીલેન્ડનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કિવી ટીમે 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું.
શ્રીલંકાને સૌથી મોટી હાર આપી
વન-ડે ક્રિકેટમાં ભારતીય ટીમની સૌથી મોટી હાર વર્ષ 2000માં શ્રીલંકા સામે થઈ હતી. ત્યારબાદ શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 245 રનથી હરાવ્યું હતું. હવે ભારતે શ્રીલંકાને પોતાની સૌથી મોટી હાર આપી છે. વર્ષ 2000માં શારજાહમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ સનથ જયસૂર્યા (189 રન)ની સદીની મદદથી 299 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ઇનિંગ 54 રનમાં સમેટાઈ ગઈ હતી. હવે ભારતે વિરાટની જોરદાર સદીના જોરે જંગી સ્કોર બનાવ્યો અને શ્રીલંકાને 73 રન પર અટકાવીને હરાવ્યું હતું.