રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌરાષ્ટ્રના મુસાફરોને વધુ સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવે છે. રાજકોટ તથા તેની આસપાસ આશરે 1.25 લાખથી વધુ ઔદ્યોગિક એકમો આવેલા છે. જેમાં અનેક પ્રોડકટનું ઉત્પાદન અને આંતરરાષ્ટ્રીય સ્તરે નિકાસ પણ થઈ રહ્યું છે. રાજકોટ તથા આસપાસના શહેરો ઔદ્યોગિક હબ તરીકે જાણીતા હોવાથી આયાત-નિકાસ પણ દિન-પ્રતિદિન વધી રહ્યું હોય, જેથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે ત્યારે રાજકોટથી દુબઈ, સિંગાપોર, મલેશિયા તેમજ દિલ્હી અને મુંબઈની વહેલી સવારની ફ્લાઈટ શરૂ કરવા માટે માંગ કરાઈ છે.
હાલમાં રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 12 જેટલી ડોમેસ્ટીક ફલાઈટની ટ્રીપો ચાલી રહી છે તેમજ મહિને આશરે 90 હજાર જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ત્યારે આટલી ટ્રીપ ખુબ જ ઓછી ગણાય. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી બંને શહેરો ખાતે મુસાફરી કરનાર વર્ગ ખૂબ જ વધારે છે તો તેને ધ્યાનમાં રાખી રાજકોટ-દિલ્હી માટે સવારની 6 વાગ્યે અને 9 વાગ્યે દૈનિક ફલાઈટ તથા રાજકોટ-મુંબઈ માટે સવારની 6:30 વાગ્યે અને રિટર્ન દૈનિક ફલાઈટ સાંજે 8 વાગ્યાની તાત્કાલિક શરૂ કરવી ખૂબ જ જરૂરી છે.