યાયાવર પક્ષી રોઝી સ્ટાર્લિંગે આજકાલ અમદાવાદમાં ધામા નાખ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ તેમજ કાંકરિયાની આસપાસના વિસ્તારોમાં આ પક્ષીઓએ ઉતારો લીધો છે. રોજ વહેલી સવારે અને સાંજે પક્ષીઓનું ઝુંડ વિવિધ કલાકૃતિ બનાવી ઉડતું જોવા મળે છે. કાંકરિયા ઝૂના એડવાઈઝર આર.કે. શાહુના જણાવ્યા અનુસાર રોઝી સ્ટાર્લિંગ મૂળ એશિયન પક્ષી છે. શિયાળો શરૂ થતાં ઠંડા વિસ્તારોમાંથી આ પક્ષી દર વર્ષે અમદાવાદ સહિતના વિસ્તારોમાં આવતાં હોય છે. રિવરફ્રન્ટ પર નદી તેમજ વધુ વૃક્ષો હોવાથી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે આ પક્ષીઓનું ઝુંડ જોવા મળે છે. રાત્રે આ પક્ષી કાંકરિયા આસપાસના વૃક્ષો પર આરામ કરે છે.શિયાળો પૂરો થતાં માર્ચ-એપ્રિલમાં પક્ષી મૂળ સ્થાને પાછા ફરે છે.