અમેરિકામાં ચૂંટણીના માત્ર 7 દિવસ પહેલાં જ બે જગ્યાએ બેલેટ બોક્સમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી છે. પહેલો કિસ્સો વાનકુવર, વોશિંગ્ટનનો છે, જ્યાં બેલેટ બોક્સમાં આગ લાગી હતી. એમાં એકત્ર કરાયેલાં સેંકડો બેલેટ પેપર બળીને રાખ થઈ ગયાં હતાં.
બેલેટ બોક્સ સળગાવવાની બીજી ઘટના ઓરેગોનના પોર્ટલેન્ડમાં બની હતી. આગ કેવી રીતે લાગી એ હજુ સુધી જાણી શકાયું નથી. ચૂંટણી અધિકારીઓ સીસીટીવી ફૂટેજ દ્વારા આગ લગાવનારા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.
CNN અનુસાર, પોર્ટલેન્ડમાં સોમવારે સવારે 3.30 વાગ્યે એક મતપેટીમાં આગ લાગી હતી. જોકે મોટા ભાગના બેલેટ પેપર સળગતાં બચી ગયાં હતાં. માત્ર ત્રણ બેલેટ પેપર બળી ગયાં હતાં.
ચૂંટણી અધિકારી ટિમ સ્કોટે જણાવ્યું હતું કે જે મતદારોનાં બેલેટ પેપર બળી ગયાં હતાં તેમનો સંપર્ક કરવામાં આવશે અને નવા મતપત્રો આપવામાં આવશે.
એ જ સમયે વાનકુવરમાં બળી ગયેલી મતપેટીમાં સેંકડો બેલેટ પેપર બળી ગયાં છે. વાનકુવરમાં ચૂંટણી નિર્દેશાલયના પ્રવક્તા લૌરા શેપર્ડે શનિવારે સવારે 11 વાગ્યા પછી આ બોક્સમાં મતદાન કરનાર દરેકને તેમના મતપત્રની ચકાસણી કરવા વિનંતી કરી છે.