ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ તાલુકાના હજારો લોકોને સ્વપનેય ખ્યાલ નહિ હોય કે સોમવારની સવાર તેમના માટે આફત લઇને આવશે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીમાં સાડા 7 ઇંચ આકાશી જળ વરસતા નદીઓ અને નાળાઓ છલકાઇ ઉઠયાં હતાં. કરજણ, કીમ, અમરાવતી, ટોકરી સહીતની નદીઓના જળસ્તર એકાએક વધવા લાગ્યાં હતાં. નેત્રંગની નજીક આવેલાં ઉમરપાડા તાલુકામાં પણ આભ ફાટતાં અત્ર તત્ર સર્વત્ર જળ જ જળ જોવા મળ્યું હતું.
માર્ગોની ઉપરથી પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો. મંગળવારે મેઘરાજાએ વિરામ લેતાં વિનાશના દ્રશ્યો સામે આવ્યાં હતાં. તાલુકામાં આવેલાં 5 જેટલા નાળાઓ ધોવાઇ ગયાં છે જયારે બીજી તરફ ખેતીવાડીના 11 થી વધુ વીજ પોલ ધરાશાયી થયા હતાં. કોતરોના પાણી નેત્રંગ નગર સુધી પહોંચી ગયાં હતાં. સરકારી બગીચા નજીક આવેલી ગંગાનગર, શાંતિનગર જયારે ગાંધીબજારના જલારામ મંદિર વિસ્તારની આનંદનગર સોસાયટી તથા જીનબજારના 3 ઘરોમાં પાણી ફરી ભરાયાં હતાં. સતત વરસાદના કારણે 5 સોસાયટીના 500થી વધારે રહીશો 2 કલાક સુધી ઘરોમાં કેદ થઇ ગયાં હતાં. અમુક ઘરોમાં ઘરવખરી પલળી જતાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.